Monday, April 13, 2015

સવારની શોધ





મૂઈ આ મધરાત !
ટેકરી ચડીને ટહુકો કરવાથી...
ક્ષિતિજો ખોલે શેં દ્વાર?
રસ્તામાં રોપેલી
તોતિંગ દીવાલોને
યુગોથી કેટકેટલા..
ટેકો લઇ રહ્યા છે હાથ?
દરિયાઈ લહેર જેમ
મગરમચ્છોને મહેર ...
માછલીઓ તરફડતી મારે.
તૃણ-અર્થે વલવલતાં
ભોળાં હરણા હણાય વને
વાડીયું ભેળાવે હરાયાં.
ગામ વચ્ચે રોજ રોજ
માણસ ઉતરડવાનો
ગરાસ જાણે ગીરો.
ગોખરુની ભોંય પર
દડદડતા લોહીઝાણ પગ
કેડી કંડારે , એય ડંખે ?
‘સમતાની વાત
એ તો મનની મિરાત.’
આમ ને આમ બસ
ગઈ સદી અર્ધી  રાનમાં
પગલાંને ફૂટે શેં પાંખ?
ચાલો ઊગમણી દિશ, હવે –
શોધી લઈએ સવાર...
મૂઈ આ મધરાત !

અસ્મિતાનો અભિરામ





હે પ્રબુદ્ધ પુરૂષ!
આંગળી ચિંધીને
કરેલો લલકાર તેં –

ચોગમ પડઘાય છે , આજે.
સ્વતંત્રતા, સમાનતા
ને બંધુતા ખાતર
અખંડતાનો અવાજ બની
તેં સમર્પણ કીધું જીવન
યુગના નવનિર્માણમાં.

હે ભારત રત્ન મહાન !
તારા આદર્શોની પરિકલ્પનાઓ
અસ્તિત્વનો આકાર લઇ
આવતી કાલ માટે
વિસ્ફોટ થવા બેથી છે , આજે.
લોકશાહીનો ઘંટારવ
રહેશે ગુંજતો
ન્યાયના મંદિરમાં.
રાષ્ટ્ર તારું ઋણી રહેશે, બાબા !

હે પરમ પિતા !
અમને મળો –
તારી આંગળી ચીંધ્યાનો આદર્શ !
અમને ફળો –
તારી અસ્મિતાનો અભિરામ !

અમે





લાક્ષાગૃહમાં
અમે
આગ
ને
કાચઘરમાં
અમે પથ્થર .
પરંતુ
આકાશમાં
અમે
દરિયો,
દરિયો,
દરિયો...!

કદાચ, કાલે –





પણે, હજુ ય –
મારા પીડિત  પૂર્વજોની
કારમી ચીસો સંભળાય છેતેથી જ
મારા થીજેલા શબ્દોમાં
ઘૂઘવે છે સીસાની સરિતાઓ
ને ત્રસ્ત હથેળીઓમાં
ભભૂકે છે નિયતિની રેખાઓ
વ્યથા, વંટોળ...
ને રણમાં –
રસ્તાઓ
એકબીજામાં ભળી ઓગળે , ભલે –
અભાવગ્રસ્ત આંખોમાં
સૂરજ ઊગશે
ને
શૃંખલાગ્રસ્ત પગ
પંખી થઇ ઊડશે
અહીંથી
હજુ વધુ આગળ ...
ને ઊંચે
કદાચ, કાલે ય...!