ખરું થયું છે –
આ ગલિયાને!
બે ગાય, ચાર
ભેંસ,
છ બળદની ગમાણ
દિ’ ઉગે – આથમે
છાણ ભરી ભરી
ટોપલે
જિંદગી ઉકરડે
ઠલવાય !
ગલિયાને ખરું
થયું છે, ભાઈ !
ખેતરમાં એક દિ’
દા’ડીએ ...
છાશના ઢોચકે
અડક્યાનું
પાતક...!
ગલીયાને
રૂપિયા વીસનો દંડ
મજૂરી ગઈ ભાડમાં
માર મફતમાં
ગાળનો હિસાબ
નહીં.
પછી ,
વીસ ના વરસે
વીસ...વીસ...
ખંડણીમાં –
ખેતરથી ભારો
ને
છાણ આખો દિ’.
જીવતર વૈતરું છે,
ભાઈ !
મનુથી
આજ સુધી...
ના ધર્મ, ના
કર્મ, ના કરુણા...
અરે
ક્રાન્તિય ના,
ના કાયદો, ના
કારોબાર
કોઈ બચાવી શક્યું
નથી, ભાઈ !
પૂછું, “લ્યા
ગલિયા !
કયા જન્મારાનું
કોનું પાપ-દેણું
ચૂકવીએ છીએ આપણે,
આજે?
બોલ તો ખરો ‘લ્યા
...
તને શું થયું છે
, ભાઈ?
ગલિયાને ખરું
થયું છે, ભાઈ !
No comments:
Post a Comment